સમાધિ રસ – ઝરણાં | Samadhi Ras Zarna Stuti |

GUJARATI

કેવા કર્યા મેં ઘોર પાપો,સ્મરણ કરતા થરથરું, સત્કાર્ય જે સવિ જીવનાં,અનુમોદના હરખે કરું, હે નાથ! તારા ચરણનું બહુ ભાવથી શરણું વરુ, શરણ આપો શરણ આપો,પડી ચરણમાં કરગરું…(૧) મન વચન ને કાયના તે ત્રિવિધ યોગોથી પ્રભુ ! કીધાં -કરાવ્યાંને વખાણ્યાં પાપમેં બહુ જે વિભુ ! તેહ સઘળાં થાઓ મિથ્યા એહ તુજને વિનવું, ફરી થાય નહિ તે પાપબુદ્ધી ભાવના ઉરમાં ધરું….(૨) જ્ઞાન – દર્શન – ચરણરૂપી રત્નત્રય ઉજ્જવળાં, ક્યારે કદાપી પાળીયા કે ખીલવી સંયમકળા, તેવા સવિ શુભ કર્મ જે મેં નાનકાં પણ આદર્યા, સારું કર્યું સુંદર કર્યું,ભાવે કરું અનુમોદના…(૩) અરિહંતનું આર્હન્ત્ય ને વળી સિદ્ધપણું જે સિદ્ધનું, આચાર તો સુરિદેવનો વાચક કને શાસ્ત્રો ભણું, તપ – ત્યાગ સહ જે ઓપતું સંયમ રૂડું મુનિવર તણું, અહો ! અહો ! કેવું અનુપમ,એમ મનમાં ગણગણું…(૪) ત્રણ જગતના હે નાથ ! મુજને તુજ તણું શરણું હજો, તુજ થકી જે ભવ તર્યા તે સિદ્ધનું શરણું હજો, તુજ માર્ગને આરાધતા ,મુનિવરતણું શરણું હજો, વળી તુજ પ્રરૂપિત ધર્મ જે, તે ધર્મનું શરણું હજો…(૫) હું ખમાવું ભાવથી સવિ જીવને જગ – દેવતા ! સવિ જીવ મુજને માફ કરજો,મેં કર્યા છે બહુ ગુના, ચરણ પકડીને પ્રભુના બાળ કરતો પ્રાર્થના, મુજ ચિત્તમાં વહેતા રહો મૈત્રીતણાં ઝરણાં સદા…(૬) નિર્ભાગીયો ભટકી રહ્યો ભવકાનને હું એકલો, મારું નથી અહી કોઈને હું પણ નથી પ્રભુ! કોઈનો, તો પણ નથી પ્રભુ ! દીનતા,હું મસ્તીમાં મહાલી રહ્યો, તુજ ચરણ કેરા શરણનો મહિમા વિભુ ! આ જોઈ લો…(૭) તારી કૃપાનાં ફળ સ્વરૂપે મુક્તિ જ્યાં લાગી નાં મળે, ત્યાં લગી તારા ચરણની છાયા કદીયે ના ટળે, માળી બની મુજ બાગને તું સિંચજે કરુણાજળે, જેથી કરીને આત્મભૂમિએ બીજ બોધિતણું ફળે…(૮)

© 2023 by Jain Lyrics.